શું તમે ક્યારેય ખોબામાં આખેઆખો સમુદ્ર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે? કે પછી આકાશમાં થતા વીજળીના એક ઝબકારાને કોઈ કાચની બરણીમાં કેદ કરવાનું વિચાર્યું છે? કદાચ તમે કહેશો કે આ તો અશક્ય છે. પરંતુ સાહિત્યની દુનિયામાં એક એવી કળા છે, જે આ અશક્યને શક્ય બનાવે છે. એ કળા એટલે જ 'માઇક્રોફિક્શન'. આજના અત્યંત ઝડપી અને વ્યસ્ત સમયમાં, જ્યારે માણસ પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી, ત્યારે સાહિત્ય પણ પોતાનું સ્વરૂપ બદલીને વાચકોની વધુ નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે આપણે નવલકથા વાંચીએ છીએ, ત્યારે આપણે એક વિશાળ નદીના પ્રવાહમાં ધીમે ધીમે તરતા હોઈએ છીએ, પાત્રો સાથે લાંબો સમય વિતાવીએ છીએ અને કથાનકના ધીમા ઉઘાડનો આનંદ લઈએ છીએ. પણ માઇક્રોફિક્શનની દુનિયા સાવ અલગ છે. આ કોઈ ધીમી નદી નથી, આ તો પહાડ પરથી સીધો હૃદય પર ખાબકતો ધસમસતો જળધોધ છે અહીં કોઈ પાત્રોના લાંબા વર્ણનો નથી, આસપાસના વાતાવરણની કોઈ રંગોળીઓ નથી, કે નથી કોઈ ફિલસૂફીના લાંબા ભાષણો. અહીં તો માત્ર એક સીધો ઘા છે; જે ક્યારેક પ્રેમનો હોય છે, ક્યારેક દગાનો, તો ક્યારેક કિસ્મતના અણધાર્યા ખેલનો. ડૉ. ભાવના જોષી 'ચાંદની' ની કલમે લખાયેલું પુસ્તક "શબ્દમંથન" એ આવા જ તીક્ષ્ણ, ધારદાર અને હૃદયને વીંધી નાખતા